દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનાર રેસીડેન્સીયલ કોલોની ખાતે હવાઈ હુમલો થયો હતો. અંદાજિત બપોરે પાંચ કલાકે પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી અપાઈ હતી. સાઇરનનો અવાજ સાંભળતાની સાથે જ વાડીનારના નાગરિકોએ ત્વરિત નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.
હવાઈ હુમલામાં અસરગ્રસ્ત સ્થળ પર ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક મોડ પર આવ્યું હતું. સી.આઈ.એસ.એફ, કોસ્ટ ગાર્ડ, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મામલતદારશ્રી સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
ઉપરાંત હુમલાના પરિણામે આગ લાગતા ગણતરીના સમયમાં જ ફાયર તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. આપદાના સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાડીનાર પ્રાથમિક શાળા ખાતે હંગામી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડાયા હતા. આ ઘટનામાં ૧૬ જેટલા નાગરિકો ઘાયલ થયા હતા જેને ત્વરિત હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા.
જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે “ઓપરેશન શિલ્ડ” અન્વયે યોજાયેલ મોકડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ
નોંધનિય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જિલ્લાઓમાં “ઓપરેશન શિલ્ડ” અન્વયે મોકડ્રિલ યોજાઇ હતી. ઉપરાંત રાત્રિના ૭.૪૫થી ૮.૩૦ સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે.