દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંધશ્રદ્ધા અને ગેરકાયદે વન્ય પ્રાણી વેપાર સામે એસ.ઓ.જી. ટીમે મોટો સપાટો બોલાવ્યો છે, પરંતુ આ સમગ્ર ઘટનાએ વનવિભાગની ગંભીર બેદરકારીને પણ બહાર લાવી છે. ભાણવડ ટાઉન વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે રીતે સૂર્ય કાચબાનું સંગ્રહ અને વેચાણ થતું હોવા છતાં વનવિભાગને જાણ ન હોવી કે પછી જાણીને આંખ મીંચી રાખવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે.

મળેલી બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. દ્વારા રેડ હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન ભાણવડના વિજય રેફ્રીજરેશન વાળા અર્જુન ભગાણી દ્વારા રેફ્રીજરેશનના કારખાનાની બાજુ આવેલા વાડામાં સૂર્ય કાચબાનું ગેરકાયદે સંગ્રહ અને વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું. તપાસમાં કુલ 12 સૂર્ય કાચબા કબ્જે લેવામાં આવ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે સૂર્ય કાચબા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની સેડ્યૂલ-1 હેઠળ આવતી અત્યંત સુરક્ષિત પ્રજાતિ છે, છતાં આટલી મોટી સંખ્યામાં કાચબા રાખવામાં આવ્યા હોવા છતાં વનવિભાગ તરફથી કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે વનવિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી અને અંધશ્રદ્ધા તથા તાંત્રિક વિધિઓ માટે સૂર્ય કાચબાનો ઉપયોગ થતો હતો. એક સૂર્ય કાચબાની કિંમત ૫ થી ૭ લાખ રૂપિયા સુધી હોવાનું ચર્ચાય છે, છતાં વનવિભાગે સમયસર કાર્યવાહી કેમ ન કરી એ સવાલ યથાવત છે.

એસ.ઓ.જી. ટીમની સમયસર અને અસરકારક કાર્યવાહીથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, પરંતુ આ કેસમાં વનવિભાગની નિષ્ક્રિયતા અને જવાબદારી નક્કી થવી જરૂરી બનતી જાય છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ ગેરકાયદે રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને વનવિભાગની કોઈ ભૂમિકા છે કે નહીં.

