હવે વ્યાજદરમાં મળશે મોટી રાહત

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે લોન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ફેરફારથી હવે ઉદ્યોગસાહસિકોને બેંકો દ્વારા વસૂલવામાં આવતા વ્યાજ દરોમાં સીધો ફાયદો થશે.
ગુણવત્તા ધોરણોમાં પણ રાહત
MSME મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુણવત્તા નિયંત્રણ આદેશો (OCOs) લાગુ કરતી વખતે નાના ઉદ્યોગોને વિશેષ છૂટછાટ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય નાના ઉદ્યોગોના ઉત્પાદન પર કોઈ નકારાત્મક અસર ન પડે અને તેમની આર્થિક ગતિવિધિઓ સતત ચાલતી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાણ
RBIએ તમામ બેંકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ MSME લોનના વ્યાજ દરોને હવે ‘બાહ્ય માનક’ (Ex-ternal Benchmark) જેવા કે રેપો રેટ સાથે જોડે. અત્યાર સુધી બેંકો પોતાની રીતે દરો નક્કી કરતી હતી, પરંતુ હવે RBI જ્યારે પણ રેપો રેટમાં ઘટાડો કરશે, ત્યારે તેનો સીધો લાભ ગ્રાહકોને આપવો અનિવાર્ય બનશે. આનાથી વ્યાજ દર નક્કી કરવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે.
દર ત્રણ મહિને વ્યાજ દરમાં ફેરફાર
નવા નિયમ મુજબ, વ્યાજ દરોના પુનઃનિર્ધારણ (Reset) માટેની મુદત ત્રણ મહિના નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો પોલિસી રેટમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની અસર દર ત્રણ મહિને લોનના હપ્તા પર જોવા મળશે. આ ઉપરાંત, જે લોકોએ અગાઉ લોન લીધેલી છે, તેઓ પણ બેંકની સહમતિથી આ નવી વ્યાજ વ્યવસ્થામાં જોડાઈ શકશે.

