મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી

દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં.

દરમિયાન, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ હોસ્પિટલના D2 બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરિફિકેશન રૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

અમદાવાદ ખાતે ગત તા. ૧૨ જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર આપવાની તેમજ હતભાગીઓના ડીએનએ મેપિંગથી માંડીને તેમના નશ્વર દેહ પરિજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો તથા તેમના પરિવારોને જરૂરી સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશો આપ્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ DNA નમૂના મેપિંગની સમગ્ર પ્રક્રિયા અને તેની બારીકીઓથી માહિતગાર થયા હતા અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો તથા તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં તેમણે તમામ ઇજાગ્રસ્તોને આવશ્યક તમામ સેવાઓ અને હતભાગીઓના પરિવારજનોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જરૂરી સૂચનાઓ આપી હતી.

આ સમયે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, સચિવશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!