પોરબંદર જિલ્લામાં ચૂંટણી કાર્ય માટે વાહનો અને લોકોના પ્રવેશ પર નિયંત્રણ
પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઇ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા આવે છે. જેના કારણે ચૂંટણીના સરળ સંચાલન માટે રાજય ચૂંટણી આયોગની પ્રવર્તમાન સુચનાઓની અમલવારી સુનિશ્ર્ચિત કરવા પોરબંદર જિલ્લાના જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ચૂંટણી સુચારુ વ્યવસ્થાપન માટે જાહેરનામું જાહેર: ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી
જાહેરનામાં અનુસાર ઉમેદવારી પત્રો રજુ કરવા ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો,દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી.
ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી., ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુકત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત કે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના પોરબંદર જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારને લાગુ પડશે.