દેવભૂમિ દ્વારકા :-રાજ્યમાં કોરોના બિમારીના કેસો સામે આવતા જિલ્લા દેવભૂમિ દ્રારકા ખાતે પણ જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક થયેલ છે અને સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના મળીને કુલ ૬૨૪ બેડ ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલમાં પુરતા પ્રમાણમાં વેન્ટીલેટર્સ, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ, પી.પી.ઇ. કીટ, માસ્ક, સેનિટાઇઝર્સ, દવાઓ ઉપલબ્ધ છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે જરૂર જણાયે કુલ ૨૦૦ બેડની કેપેસિટી વધારવા માટેની પુરતી ક્ષમતા છે. જિલ્લામા કોવિડના ટેસ્ટ માટે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે આવેલી લેબોરેટરીમાં ટેસ્ટીંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમજ દર્દીઓને શિફ્ટ કરવા માટે પુરતી એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા તમામ તબીબોને પણ કોવિડના વધતા કેસોના અનુસંધાને રાખવાની થતી તકેદારીઓ તેમજ અન્ય માર્ગદર્શન માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી એક બેઠક મારફતે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલ છે.

હાલમાં જોવા મળતા કોવિડના કેસો સામાન્ય પ્રકારના હોવાથી કોઇ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ઉંમર લાયક હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, હાયબ્લ્ડપ્રેશર, ડાયાબીટીસ કે અન્ય કોઇ ગંભીર બિમારી હોય તેવા લોકોએ ખાસ તકેદારી લેવા તેમજ શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.