ભાણવડમાં પાંચ વર્ષ પૂર્વે થયેલી તકરારના કેસમાં આરોપીઓને પાંચ વર્ષની કેદ-દંડ

વાડી ખેડવા બાબતે તકરાર સર્જાઇ હતી: ૧૧ આરોપીઓને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

ભાણવડ તાલુકાના નવાગામ જુના ટીંબા ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ મનુભાઈ બગડાને આરોપી જીવણભાઈ જેરામભાઈ પાડલીયા સાથે વાડી (જમીન) ખેડવા બાબતે તારીખ ૧૫ મી ૨૦૨૦ ના રોજ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી જીવણભાઈએ તેમની જમીન ભાગમાં વાવતા ભાગીયાઓ અને તેમના પુત્રો વિગેરે દ્વારા રાત્રીના સમયે તેમના ઘરે લાકડી, પાઈપ, ધારીયા, કુહાડા વિગેરે જેવા જીવલેણ હથિયારો સાથે ત્રાટકી અને ગેરકાયદેસર મંડળી રચી, પૂર્વયોજિત કાવતરાથી ફરિયાદી પ્રદીપભાઈના ઘરે ઘૂસી આવ્યા હતા

અહીં આરોપી જીવણભાઈ સાથે અન્ય આરોપીઓ મયુર ધનાભાઈ પાથર, હરેશ ધનાભાઈ પાથર, ચનાભાઈ વેજાભાઈ પીપરોતર, જીવણભાઈ પરબતભાઈ પાથર, કમલેશભાઈ ઉર્ફે પ્રકાશ પરબતભાઈ પાથર, દિવ્યેશ ચનાભાઈ પીપરોતર, પારસ ચનાભાઈ પીપરોતર, ખીમજી વજસીભાઈ કદાવલા, રામાભાઈ ઉર્ફે ક્તન વજશીભાઈ કદાવલા અને ધનાભાઈ રામશીભાઈ પાથર નામના કુલ ૧૧ શખ્સોદ્વારા ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને હથિયાર વડે બેફામ માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૭ વિગેરે, રાયોટીંગ, એટ્રોસિટી, જી.પી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ખંભાળિયાના સ્પેશિયલ એટ્રોસિટી અને એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરીની અદાલતમાં ચાલી જતા આ કેસમાં સાહેદોની જુબાની તેમજ આધાર-પુરાવાઓ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે પ્રથમ આરોપી જીવણભાઈ પાડલીયા મૃત્યુ પામ્યા હોવાથી તેને એબેટનો હુકમ કર્યા હતો. જયારે અન્ય આરોપીઓ મયુર ધનાભાઈ, હરેશ ધનાભાઈ, ચનાભાઈ વેજાભાઈ, જીવણભાઈ પરબતભાઈ, કમલેશભાઈ ઉર્ફે પ્રકાશ પરબતભાઈ, દિવ્યેશ ચનાભાઈ, પારસ ચનાભાઈ, ખીમજીભાઈ વરશીભાઈ, રામાભાઈ ઉર્ફે કેતનભાઈ વજસી ભાઈ અને ધનાભાઈ રામશીભાઈને તકસીરવાન ઠેરવી, આઈ.પી.સી. કલમ ૩૦૭ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તેમજ અન્ય કલમ હેઠળ જુદી જુદી સજા સાથે કુલ રૂા. ૧૬,૫૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!