અગિયાર માસ પૂર્વેના બનાવમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે ગત તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બપોરના સમયે આ જ ગામના હરીશ મંગાભાઈ ચૌહાણ અને વિજય રામજી શ્રીમાળી નામના બે શખ્સો કેફી પીણું પીપેલી હાલતમાં એક શાકભાજીની રેંકડીએ ગયા હતા.
જ્યાં રેકડીના માલિક હાજર ન હોવા છતાં રેકડીએથી શાક-બકાલુ લેતા હોવાથી નજીકમાં રહેલી એક સગીરા તેને જોઈ જતા બંને આરોપીઓએ આ સગીરાને કહેલ કે તું શું કામ અમે બકાલુ લઈએ છીએ તે જૂએ છે…? તેમ કહીને ભોગ બનનાર ફરિયાદીને જાહેરમાં આબરૂ લેવાના ઈરાદે કાંડુ પકડીને એક તરફ ખેંચીને લઈ ગયા હતા.

ત્યાર બાદ આરોપીઓએ તેણીને છાતીમાં ભાગે અડપલા કરી, જાતીય સતામણી કરી અને બિભત્સ ગાળો કાઢી હતી. આ ઉપરાંત આરોપીઓ દ્વારા જો તેણી ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનો બનાવ આ જ દિવસે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મેળવીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ પછી આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા માટે હાઇકોર્ટમાં પણ અરજી કરતા હાઈકોર્ટે પણ તેઓના જામીન ફગાવી દીધા હતા.

આ અંગેનો કેસ ખંભાળિયાના સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનાર તથા અન્ય મહત્વના સાહેદોની જુબાની તેમજ અન્ય આધાર પુરાવાઓ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે છેડતીના પ્રકરણમાં પોક્સોના ગુના સંદર્ભે ચાર વર્ષની સખત કેદ તથા અન્ય ગુનામાં પણ જુદી જુદી સજાઓ તેમજ બંનેને રૂપિયા ૨૫-૨૫ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત ભોગ બનનારને તેના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પનસેસન સ્કીમ હેઠળ રૂપિયા ૫૦,૦૦૦ નું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

