ચારણ સમાજની દીકરીઓ માટે માંઝા ગામે “આઈશ્રી સોનલ કન્યા છાત્રાલય”નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

ખંભાળિયા તાલુકાના માંઝા ગામે ચારણ-ગઢવી સમાજની દીકરીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વનો દિવસ ઉજવાયો. “શિક્ષિત ચારણ, વિકસિત ચારણ”ના સૂત્રને સાકાર કરવા આઈશ્રી સોનલ આદેશ અમલીકરણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જામખંભાળિયા દ્વારા સંચાલિત શ્રી સોનલ શિક્ષણ ભવન અંતર્ગત “આઈશ્રી સોનલ કન્યા છાત્રાલય”નું ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયું.
ધર્મસભા અને માતાજીઓના આશીર્વચન

કાર્યક્રમની શરૂઆત ધર્મસભા અને માતાજીઓના આશીર્વચનથી થઈ. ત્યારબાદ ભૂમિપૂજન વિધિ, દાતાશ્રીઓનું સન્માન અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
શિક્ષણ સભા
શિક્ષણ સભામાં ચારણ સમાજની ભણેલી-ગણેલી અને નોકરી કરતી દીકરીઓને વિશેષ સન્માનિત કરવામાં આવી અને તેમના પ્રેરક પ્રવચનો યોજાયા. સમાજના પરંપરાગત ભાતીગળ દેવીરાસની રજૂઆતથી વાતાવરણ ભક્તિમય બન્યું.

સાંજે ફરી મહાપ્રસાદનું આયોજન થયું અને રાત્રે ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રખ્યાત કલાકારો રાજભા ગઢવી, વિજયભાઈ ગઢવી, હરદાનભાઈ ગઢવી તથા અન્યોએ ભક્તિ ભજનો અને લોકસાહિત્યની રસપ્રદ વાતો રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
આધુનિક શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતું એક આદર્શ કેન્દ્ર
આ કન્યા છાત્રાલય ચારણ સમાજની દીકરીઓને આધુનિક શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતું એક આદર્શ કેન્દ્ર બનવાનું છે. આઈશ્રી સોનલ માતાએ શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો, તેનું ફળ આજે દેખાઈ રહ્યું છે. ચારણ સમાજ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આઈશ્રી સોનલના આદેશનું પાલન કરતાં સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સતત આગળ વધી રહ્યો છે.
મુખ્ય દાતા

આ પ્રસંગે મુખ્ય દાતા તરીકે ઈસુદાનભાઈ ગઢવીએ ₹૫૧ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમની સાથે અન્ય ઘણા દાતાઓએ પણ ઉદારતાપૂર્વક દાનની રકમ લખાવતા 1 જ દિવસમાં 1 કરોડથી વધારે રકમ સમાજે સંસ્થાને અર્પણ કરી શિક્ષણ પ્રત્યેનો ભાવ અને સંસ્થા પ્રત્યેનો વિશ્વાસ પ્રગટ કરેલ છે.
આ કન્યા છાત્રાલય ચારણ સમાજની દીકરીઓ માટે શિક્ષણ અને સંસ્કારનું એક મજબૂત કેન્દ્ર બનીને નવી પેઢીને સશક્ત બનાવશે, તેવી સમાજને પૂરેપૂરી શ્રદ્ધા છે

